ઈન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર શો યોજવામાં આવ્યો હતો. આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ કરતબ યોજી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં. એરોબેટિક ટીમનો એર શો જોવા માટે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યાં હતાં. જે નિહાળીને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતાં. આ ભવ્ય નજારો જામનગરવાસીઓ માટે યાદગાર બની ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આ એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડવામાં આવ્યા હતા. જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરવાના આવ્યું હતું અને વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવી હતી. આ ઉપરાંત હાર્ટ, સૂર્યના કિરણો જેવી આકૃતિ, તેજસ, અંગ્રેજી આલ્ફાબેટ વાય અને એની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચિઅરઅપથી ગુંજી ઉઠ્યું હતું.આ અદ્ભુત એરોબેટિક શો જોવા માટે જામનગર જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા તેમના ધર્મપત્ની દર્શના પંડ્યા સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લાના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ તથા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.