જમ્મૂથી ૪૦૦૦ શ્રદ્ધાળુઓ રવાનાઃ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું, શ્રદ્ધાળુઓએ આતંકી ખતરાઓને ફગાવી દીધાઃ ૩ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવીઃ ૯ ઓગસ્ટે યાત્રા સમાપ્ત થશે
બમ-બમ ભોલેના ઉદ્ધોષ સાથે વાર્ષિક અમરનાથ યાત્રા આજે શરૂ થઈ. જમ્મૂ બેઝ કેમ્પથી કડક સુરક્ષા વચ્ચે પ્રથમ જૂથ બુધવારે વહેલી સવારે રવાના થયું. જમ્મૂ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાઅ પ્રથમ જૂથને લીલી ઝંડી બતાવીને રવાના કર્યું.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું કે, આ વર્ષે પ્રથમ જૂથમાં લગભગ ૪,૦૦૦ યાત્રિકો બાલટાલ અને પહેલગામ માર્ગે રવાના થયા. સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાવા પહોંચ્યા છે. અમરનાથ શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા કરી છે, અને જમ્મૂ-કાશ્મીર પોલીસ સહિત અન્ય સુરક્ષા દળોએ માર્ગ પર સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરી છે. તેમણે કહ્યું કે, શ્રદ્ધાળુઓએ તાજેતરના આતંકી ખતરાઓને અવગણીને પૂર્ણ ઉત્સાહ સાથે યાત્રામાં ભાગ લીધો છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ વર્ષની યાત્રા ગત વર્ષો કરતાં વધુ સફળ અને સરળ રહેશે.
સુરક્ષા અને વ્યવસ્થા :
સીઆરપીએફના આઈજી (જમ્મૂ સેક્ટર)એ જણાવ્યું કે, નવી ટેકનોલોજી અને વધુ સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ સાથે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. કઠુઆ જિલ્લાના લખનપુર ખાતે અન્ય રાજ્યોમાંથી આવતાં વાહનોની કડક તપાસ થઈ રહી છે.
આરોગ્ય સુવિધાઓ પર ખાસ ધ્યાન :
ગત વર્ષે આરોગ્ય કારણોસર ૧૦૦થી વધુ યાત્રિકોના મળત્યુ થયા હોવાથી આ વખતે ચિકિત્સકીય સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પંજીકરણ અને આરોગ્ય પ્રમાણપત્ર વિના કોઈને યાત્રાની મંજૂરી નહીં આપવામાં આવે.
યાત્રિકોનો ઉત્સાહ :
અધિકારીઓના જણાવ્યા મુજબ, ૩,૨૦,૦૦૦થી વધુ યાત્રિકોએ પંજીકરણ કરાવ્યું છે, અને વર્તમાન પંજીકરણ ચાલુ છે. મોસમની સ્થિતિ હોવા છતાં દરેક વયજૂથના યાત્રિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.
યાત્રિકોનો પ્રતિસાદ :
મોહાલીની રૂપા ગાંગુલીએ કહ્યું, હું પ્રથમ વખત આ યાત્રામાં જઈ રહી છું અને ખૂબ રોમાંચિત છું. ગુફા અને તેનો માર્ગ હજી બરફથી ઢંકાયેલો છે, જે રોમાંચક અનુભવ હશે. ગુજરાતના જતીન્દ્ર સોલંકીએ જણાવ્યું, હું પાંચમી વખત આ યાત્રામાં આવ્યો છું. શ્રદ્ધા અને કાશ્મીર ખીણમાં શાંતિના કારણે યાત્રિકોની સંખ્યા સતત વધી રહી છે.
યાત્રા માર્ગ અને વિશેષતા :
અમરનાથ ગુફા સમુદ્ર સપાટીથી ૩,૮૮૮ મીટરની ઊંચાઈએ આવેલી છે. યાત્રા માટે બે માર્ગ છે પહેલગામ (૪૫ કિ.મી., પરંપરાગત માર્ગ) અને બાલટતાલ (ટૂંકો માર્ગ). ગુફામાં કુદરતી રીતે રચાતું વિશાળ હિમલિંગ શ્રદ્ધાળુઓ માટે મુખ્ય આકર્ષણ છે.
સુરક્ષા બંદોબસ્ત :
સીઆરપીએફની ૩૫૦ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાં ૫૨ ટુકડીઓ જમ્મૂમાં અને બાકીની કાશ્મીર ખીણમાં સુરક્ષા સંભાળશે. બીએસએફ, કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફના કુલ ૨ લાખ જવાનો તૈનાત કરાયા છે.યાત્રાની શરૂઆત સાથે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કેટલાક યાત્રિકોએ ગુફા માર્ગ પર બરફની સુંદરતા અને સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી. યાત્રા ૯ ઓગસ્ટ સુધી ચાલશે.