ગુલાબના ફૂલોનો ભાવ રોજ કરતા વેલેન્ટાઈન ડે ના દિવસે ડબલ થયો
અમદાવાદ,નાસિક અને બેંગલોર ના વિવિધ પ્રકારના ફૂલો પાટણના ફુલ બજારમાં જોવા મળ્યા; પાટણ શહેરમાં વેલેન્ટાઈન ડેના અવસરે ગુલાબ સહિતના ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં રૂ.૨૦-૨૫ માં મળતા એક ઈંગ્લિશ ગુલાબનો ભાવ વેલેન્ટાઇન ના દિવસે રૂ.૫૦ સુધી પહોંચ્યો હતો. પાટણના ફુલ બજારમાં અમદાવાદ,નાસિક અને બેંગ્લોર જેવા શહેરો માંથી વિવિધ પ્રકારના ગુલાબ અને ફુલો લગ્નસરાની સિઝનની સાથે સાથે વેલેન્ટાઇન ડે નિમિત્તે ફુલોના વેપારીઓ દ્વારા મંગાવવામાં આવતા હોય છે.
હાલમાં લગ્નસરાની સિઝન હોવાથી ડેકોરેશન માટે વપરાતા રંગબેરંગી ફૂલોના ભાવમાં પણ વધારો નોંધાયો છે.તો વેલેન્ટાઈન ડે નિમિત્તે ગુલાબની સાથે સેવન્ટી અને અન્ય ફૂલોના કોમ્બિનેશનથી બનાવેલા ડિઝાઈનર બુકેની માંગ પણ વધી છે. બજારમાં રૂ.૫૦૦ થી રૂ.૨૦૦૦ સુધીની કિંમતના વિવિધ પ્રકારના બુકે ઉપલબ્ધ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. વેલેન્ટાઇન ડે મા મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ગુલાબની ખરીદી કરતા જોવા મળ્યા હતા. ફૂલોના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ માળીના જણાવ્યા અનુસાર, લગ્નગાળો અને વેલેન્ટાઈન ડેને કારણે માત્ર ગુલાબ જ નહીં પરંતુ વિવિધ પ્રકારના ૧૦ સેવન્ટી ફૂલોની માંગ પણ વધી છે.આમ જોઈએ તો તમામ ફૂલોના ભાવમાં હાલમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.