પીક અપ સ્ટેન્ડ માત્ર ગેરરીતિ આચરવા માટે બનાવવામાં આવે છે તેવો લોકોનો આક્ષેપ
કોન્ટ્રકટર બની ગયેલા મોટા ભાગના લોક પ્રતિનિધિઓ સરકારની ગ્રાન્ટનો દુર ઉપયોગ કરવામાં મશગુલ; બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના પીકઅપ સ્ટેશન ખંડેર હાલતમાં શોભાનો ગાંઠીયો બની ગયા છે. સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને અનેક વિકાસના કામો થાય છે પરંતુ ક્યાંક સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે સાફ સફાઈ અને જાળવણીના અભાવે આવા વિકાસ કામો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે અને સરકારની સુખાકારી યોજના પાછળ વપરાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ એળે જાય છે.
ભાભર તાલુકાના વિકાસ કામો પૈકીના પીક અપ સ્ટેન્ડ પાછળ વપરાયેલી ગ્રાન્ટના નાણાં પણ એળે ગયાં છે. તમામ પીક અપ સ્ટેન્ડ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. જવાબદાર તંત્રની જાળવણી અભાવે અને કાગળ ઉપર કામગીરી બતાવી ગેરવહીવટના કારણે સરકારની લોકોની સુખાકારી યોજના પાછળ વપરાયેલા નાણાં એળે ગયાં હોવાનો લોકમત ઊઠી રહ્યો છે.જાણવા મળતી વિગત મુજબ ભાભર તાલુકાના રોડ ઉપર ઉભેલા કેટલાક પીક અપ સ્ટેન્ડ દારૂ પીવાના અડ્ડા બની ગયા છે અને કેટલાક પીક અપ સ્ટેન્ડ ઉપર સ્થાનિક લોકોએ કબ્જો કરી લીધો હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે સવાલ પેદા થાય છે કે લોકોની સુખાકારી માટે બનાવેલા પીક અપ સ્ટેન્ડોની નિભાવણી કરવાની જવાબદારી કોની…? આ બાબતે તટસ્થ તપાસ થાય તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે પણ વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ ઘડાતા તપાસ કોણ કરે? તે પણ સો મણનો સવાલ છે.