ઠેકેદારો મારફત મજૂરો મોકલનાર આરોપીને એલસીબી ટીમે આબાદ દબોચ્યો
ડીસા ફટાકડા વિસ્ફોટમાં સહ-આરોપીની ધરપકડ; બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાના ઢુવા રોડ આવેલા ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડા બનાવવાની ફેકટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં કુલ 22 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા.જે કેસમાં બનાસકાંઠા પોલીસે ગોડાઉન માલિક પિતા- પુત્રની ધરપકડ કર્યા બાદ ઇન્દોર (મધ્યપ્રદેશ) થી વધુ એક સહ આરોપીની અટકાયત કરી છે.
આ ઘટનામાં જવાબદાર ગોડાઉન માલિક દિપક ખૂબચંદ મોહનાની અને ખૂબચંદ રેણુમલ મોહનાની વિરુદ્ધ મામલતદાર ડીસાની ફરિયાદના આધારે ડીસા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક (બનાસકાંઠા) અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ ડીસા નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ જિલ્લાના એસઓજી, એલસીબી અને પેરોલ ફર્લોના અનુભવી અધિકારીઓની એક વિશેષ ટીમ (સીટ) ની રચના કરવામાં આવી છે. આ તપાસમાં મદદરૂપ થવા માટે અલગ-અલગ ટીમોને વિવિધ રાજ્યોમાં તપાસ માટે મોકલવામાં આવી હતી, જેમાં મધ્યપ્રદેશ, તમિલનાડુ, મુંબઈ, અમદાવાદ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
આ ટીમો ગુનામાં સંડોવાયેલા મહત્વના આરોપીઓની શોધખોળ કરી રહી છે.આ દરમિયાન, એલસીબીના પીએસઆઇ આર.બી. જાડેજાની ટીમ ઇન્દોર (મધ્યપ્રદેશ) ખાતે તપાસ માટે ગઈ હતી. આ ટીમે વિસ્ફોટમાં મૃત્યુ પામેલા મધ્યપ્રદેશના શ્રમિકોને તેમના ઠેકેદાર લક્ષ્મી અને પંકજ મારફતે ડીસા ખાતે મજૂરી માટે મોકલનાર હરીશ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી, જેનું પૂરું નામ અને સરનામું ઉપલબ્ધ નહોતું. આથી હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદ દ્વારા તપાસ કરતાં, મુખ્ય ઠેકેદાર હરીશ રામચંદ્ર મેઘવાની (રહે. 34/35 ટ્રેઝર ટાઉન સોસાયટી, બજિલપુર, ઇન્દોર, તા. જી. ઇન્દોર -મધ્યપ્રદેશ) ની ઇન્દોર ખાતેથી અટકાયત કરવામાં આવી છે.ટૂંક સમયમાં વધુ આરોપીઓ પકડાવાની શકયતા પોલીસે દર્શાવી હતી.
આરોપી મજૂરો મોકલીને આર્થિક લાભ મેળવતો હતો; પોલીસ દ્વારા કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પકડાયેલ આરોપી હરીશ અને ગોડાઉનના માલિકો એક જ સિન્ધી સમાજના હોવાથી એકબીજા સાથે ઘણા સમયથી પરિચિત હતા. આરોપી હરીશ તેમજ ઠેકેદાર લક્ષ્મી અને પંકજે પ્રથમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સુતળી ફટાકડા બનાવવા માટે આ ગોડાઉન યોગ્ય જણાયું હતું. ત્યારબાદ, આ આરોપી અવારનવાર હરદા જિલ્લાથી ઠેકેદાર સાથે ડીસા ખાતેના દપિક ફટાકડા ગોડાઉનમાં મજૂરી માટે મોકલીને આર્થિક લાભ મેળવતો હતો તેવું તપાસમાં સામે આવ્યું છે.