બનાસકાંઠાના 28 સહિત 50 પ્રવાસીઓ બનીહાલ ખાતે સુરક્ષિત; જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા બનાસકાંઠાના 28 પ્રવાસીઓ ફસાયા છે. જોકે, કાશ્મીરમાં આંતકી હુમલા બાદ તેઓની સુરક્ષામાં વધારો કરાયો છે. હાલમાં બનાસકાંઠાના 28 સહિત ગુજરાતના 50 પ્રવાસીઓ સુરક્ષિત છે.
પાલનપુરના 17 અને વડગામના 11 પ્રવાસીઓ 12 એપ્રિલ પાલનપુરથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા. જ્યાં વાદળ ફાટતા વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રિકો ભરેલી લકઝરી બસ રામબન પાસે ફસાઈ હતી. બસમાં બનાસકાંઠા ના 28, ગાંધીનગરના 19 અને મહેસાણા ના 03 મળી કુલ 50 પ્રવાસીઓ અટવાયા હતા. જોકે, બનાસકાંઠા જિલ્લા કલેકટરે સ્થાનિક તંત્રનો સંપર્ક કરતા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જોકે, પ્રવાસીઓ આર્મી કેમ્પમાં સલામત હોવાનું તંત્રએ જણાવ્યું હતું. પરંતુ પ્રતિકૂળ હવામાનને લઈને પ્રવાસીઓ પરત ફરી શક્યા નથી. દરમિયાન, કાશ્મીરના પહેલગામ માં ગતરોજ થયેલ આંતકી હુમલા બાદ કાશ્મીરમાં ફસાયેલા 50 ગુજરાતીઓની સુરક્ષામાં વધારો કરાયો હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
ફસાયેલા ગુજરાતીઓની સુરક્ષા વધારાઈ; જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા માં 28 પ્રવાસીઓના મોત બાદ સમગ્ર જમ્મુ-કાશ્મીર લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે. ત્યારે ભૂસ્ખલનને કારણે રામબન પાસે અટવાયેલા બનાસકાંઠાના 28 સહિત 50 ગુજરાતીઓની સુરક્ષા માં વધારો કરાયો છે. આ પ્રવાસી ઓને રામબન થી બનીહાલ ખસેડાયા છે. જ્યાં શેલ્ટર હાઉસ માં તેઓને રખાયા છે. જ્યાં તેઓની સુરક્ષામાં વધારો કરાયો છે. હાલ તેઓ આર્મીની નિગરાની તળે હેમખેમ છે. જોકે, કાશ્મીરની મોજુદા પરિસ્થિતિ જોતા ફસાયેલા પ્રવાસીઓની વતન વાપસી લંબાઈ શકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

