ડીસાની એડિશનલ ચીફ જીડીશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો
ડીસા તાલુકાના ભોયણ ગામે પાર્લર ચલાવતા યુવકને ચેક રિટર્ન કેસમાં ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં ઝવેરી નગર પ્રાથમિક શાળા પાસે રહેતા રાહુલ નટવરભાઈ ઠાકોર સેન્ટીંગ કામનો ધંધો કરે છે. તેઓની ડીસા તાલુકાના ભોયણ ગામે સાઈટ ચાલતી હતી ત્યારે તેઓ માલ સામાન લેવા ભોયણ ગામે પાર્લર ચલાવતા ભરત બાબુભાઈ પ્રજાપતિ પાસે અવારનવાર જતા હોઇ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જેમાં ભરત પ્રજાપતિને પૈસાની જરૂર પડતા રાહુલને વાત કરતા રાહુલે ટુકડે ટુકડે 1.5 લાખ જેટલી રકમ હાથ ઉછીની આપી હતી. જોકે ભરતે તે પૈસા પરત ન કરતા તેણે રાહુલને ચેક આપી આ ચેક બેંકમાં નાખશે તો તેના પૈસા મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જોકે રાહુલે બેંકમાં ચેક નાખતા તે રિટર્ન થયો હતો. જેથી રાહુલે પોતાના વકીલ મારફત નોટિસ મોકલવા છતાં પણ તેના નાણા પરત મળ્યા ન હતા.
જેથી તેણે ડીસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ડીસાના નામદાર એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ પટેલની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે ફરિયાદીના વકીલ હરેશભાઈ ત્રિવેદીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ભરત બાબુભાઈ પ્રજાપતિને એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા દોઢ લાખ વળતર તરીકે 30 દિવસમાં ચૂકવી દેવા આદેશ કર્યો હતો અને જો વળતરની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો હતો. આ ચુકાદા દરમિયાન આરોપી ભરત પ્રજાપતિ અદાલતમાં હાજર ન હોઇ તેના વિરુદ્ધ સજાના અમલ માટે વોરંટ પણ કાઢવામાં આવ્યું હતું.