મુન્દ્રા થી કંસારી સુધીની જેટકો ની 400 કે.વી.ની વીજ લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય છે. જેનું વળતર આજદિન સુધી ન મળતા દિયોદર-લાખણીના અસરગ્રસ્ત ખેડૂતો આજે પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અધિક નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.
દિયોદર-લાખણી પંથકમાં મુદ્રા થી કંસારી જતી 400 કે.વી.ની વીજ લાઇન 2011 માં નાખવામાં આવી હતી. જેનું વળતર ન મળતા રોષે ભરાયેલા અસરગ્રસ્ત ખેડૂતો આજે પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાની તળે ખેડૂતોએ અધિક નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને વળતર ચુકવવાની માંગ કરી હતી. અને ન્યાય નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી ખેડૂત અગ્રણી અમરાભાઈ ચૌધરીએ ઉચ્ચારી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ જતાવતા આવેદનપત્ર આપ્યું હતું.
વળતર ચુકવવાની માંગ; ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજ લાઇન પસાર કરવાની હોય ત્યારે ત્રણ તબક્કામાં ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય છે. થાંભલો ઉભો થાય, વાયરો ખેંચાય અને વીજ વહન થાય ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય છે. ત્યારે 2011 માં વીજ વહન થઈ ગયું હોવા છતાં ખેડૂતોને વળતર ચૂકવાયું નથી. પ્રાંત અધિકારીએ 2019માં ચોરસ મીટરે 810 રૂ. વળતર ચૂકવવાનો હુકમ કર્યો હોવા છતાં વળતર મળ્યું નથી. જેથી વ્યાજ સાથે વળતર આપવાની માંગ ખેડૂત નેતા પાલ આંબલિયાએ કરી હતી. જો માંગ નહિ સંતોષાય તો વીજ લાઇનના માર્ગે પદયાત્રા યોજવાની અથવા તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પાલ આંબલિયા એ ઉચ્ચારી હતી.