આગાહીના પગલે બજાર સમિતિઓએ અનાજના રક્ષણ માટે સાવચેતી રાખવી; હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થયેલ આગાહી મુજબ તા. ૨૨/૦૫/૨૦૨૫ થી તા. ૨૭/૦૫/૨૦૨૫ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
બનાસકાંઠા જિલ્લામાં માવઠાની સંભાવનાઓને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજને વરસાદથી બચાવવા માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અને તેમના સબ સેન્ટરોને સૂચના આપવામાં આવે છે કે, ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ અનાજ તથા અનાજ ભરેલી બોરીઓને તરત જ સુરક્ષિત મૂકવામાં આવે તે જરૂરી છે. જ્યાં સુધી વરસાદની પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્થિર ન થાય ત્યાં સુધી અનાજનો ખુલ્લામાં સંગ્રહ ટાળવો.
પરિવહન દરમ્યાન અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી. સંભવિત નુકસાનથી બચવા માટે સંગ્રહસ્થળો પર તાત્કાલિક અવલોકન કરી જરૂરી વ્યવસ્થાઓ અમલમાં મુકવી. આ અંગે અસરકારક અમલ થવા જરૂરી છે જેથી ખેડૂતોના ઉત્પન્નનું સંરક્ષણ થઈ શકે અને નુકસાન ટાળી શકાય.