અદાણી ગ્રુપે છત્તીસગઢમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. આ જૂથ રાજ્યમાં અનેક ક્ષેત્રોમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ સાથેની બેઠકમાં આ રોકાણની જાહેરાત કરી હતી. અદાણીએ જણાવ્યું હતું કે રાયપુર, કોરબા અને રાયગઢમાં જૂથના પાવર પ્લાન્ટના વિસ્તરણ માટે રૂ. 60,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ વિસ્તરણથી છત્તીસગઢની કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં 6,120 મેગાવોટનો વધારો થશે.
ગૌતમ અદાણીએ રાજ્યમાં જૂથના સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ અને વિકાસ માટે રૂ. 5000 કરોડના રોકાણનું વચન આપ્યું છે. વધુમાં, અદાણી ફાઉન્ડેશને CSR હેઠળ જાહેરાત કરી છે કે તે આગામી ચાર વર્ષમાં છત્તીસગઢમાં શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને પ્રવાસન ક્ષેત્રે રૂ. 10,000 કરોડનું રોકાણ કરશે. આ પહેલ છત્તીસગઢના નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરશે એટલું જ નહીં, પરંતુ સામાજિક પ્રગતિ માટે રાજ્યને એક નવી દિશા પણ આપશે.