આરોપી પાટણ સાસુના ઘરે આવ્યોને પકડાયો, પોલીસે ચાણસ્મા, હારીજ સહિતના શહેરોના CCTV તપાસ્યા હતા
આઠ દિવસ અગાઉ બહુચરાજીમાં કાલરી રોડ ઉપર છાપરામાં રહેતાં યુવકો વચ્ચે મજાક મસ્તીમાં ઝઘડો થતાં છરી હુલાવતા એક યુવકનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી નરશીભાઈ રાજુભાઈ દેવીપૂજકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જોકે પોલીસ તપાસ દરમિયાન આરોપી આઠ દિવસે તેની સાસુના ઘરેથી ઝડપાઇ જતા પોલીસે રાહતના શ્વાસ લીધાં હતાં.
ચાણસ્મા, હારીજ સહિતના શહેરોના CCTV કેમેરાની તપાસ આરોપી નરશી દેવીપૂજક હત્યા કર્યા બાદ અલગ અલગ સ્થળે નાસતો ફરતો હતો. પોલીસ પણ પોતાની ત્રણ ટિમો બનાવી રાત દિવસ આરોપીને ઝડપવા દોડી રહી હતી. આ દરમિયાન પોલીસે બેચરાજી આસપાસના વિસ્તારોમાં જેવા કે ચાણસ્મા, હારીજ સહિતના શહેરોના CCTV કેમેરા પણ તપાસ કર્યા હતાં. એમ છતાં આરોપી હાથે લાગ્યો નહોતો. બીજી બાજુ આરોપી પાસે મોબાઈલ ન હોવાથી તેને પકડવામાં પોલીસને મહામહેનત પડી હતી.
આરોપી પાટણ સાસુના ઘરે આવ્યોને પકડાયો આ તપાસ દરમિયાન બેચરાજીના પી.એસ.આઈ એમ. પી. ચૌધરીને બાતમી મળી હતી કે, આરોપી પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે એની સાસુના ઘરે આવેલ છે. આ બાતમી આધારે પોલીસે સ્થળ પર જઈ આરોપી નરશી દેવીપૂજકને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો.

