શાક માર્કેટમાંથી સગીરાને ભગાડી જઈ ઉનાવા ખાતે દુષ્કર્મ આચર્યું હતું; પાલનપુરના શાક માર્કેટમાંથી 2023 ના સપ્ટેમ્બર માસમાં 14 વર્ષની સગીરાને ભગાડી જઇ ગળું કાપી નાખવાની ધમકી આપી આરોપીએ ઉનાવા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે પોકસો કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ.10,000 નો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સને 2023 ના સપ્ટેમ્બર માસની આઠ તારીખે પાલનપુર શાક માર્કેટમાંથી ફરિયાદીની ભોગ બનનાર સગીર વયની દીકરીને પાલનપુરના જનતા નગરમાં રહેતો આરોપી અજય લક્ષ્મણભાઈ પટણી ભગાડી ગયો હતો. 14 વર્ષ એક માસ અને 14 માસની સગીર દીકરીને ભગાડી જઇ તેને ઝાપોટ મારી ડાબી આંખે ઇજા પહોંચાડી બ્લેડથી ગળું કાપી નાખવાની ધમકી આપી ઉનાવા લઈ જઈ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ગુ.રજી.નં.715/ 2023 થી ગુનો નોંધાયો હતો.
જે પોકસો કેસ નં.58/2023 પાલનપુરના બીજા એડિશનલ સેસન્સ જજ તથા પોકસો જજ અમિત.જે.કાનાણીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દિનેશભાઇ છાપીયાએ રજૂ કરેલ ધારદાર દલીલો, દસ્તાવેજી પુરાવોને ધ્યાને લઈને કોર્ટે ઇપીકો 363, 366, 376(2), 376(3), 323, 506(2) તથા પોકસો એકટની કલમ 4, 6 અને 8 ની જોગવાઈઓને ધ્યાનમાં લઈ આરોપી અજય લક્ષ્મણભાઈ પટણીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.10,000 નો દંડ ફટકારતી સજા ફરમાવી છે. તથા ભોગ બનનારને રૂ.4 લાખનું વળતર ચૂકવવાની ભલામણ કરતો હુકમ કર્યો હતો.