ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ આજે ઘટના સ્થળે તપાસ માટે લઈ જવાયા હતા.આ ઘટનામાં 21 મજૂરોના મોત થયા હતા અને પાંચ મજૂરો ઘાયલ થયા હતા. પોલીસે ફેક્ટરી માલિક દિપક ખુબચંદ મોહનાની અને તેમના પિતા ખૂબચંદ રેણૂમલ મોહનાનીની ધરપકડ કરી હતી. કોર્ટે બંનેને આઠ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.
પોલીસ કાફલા સાથે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા હતા. પોલીસે બ્લાસ્ટ થયેલી જગ્યા અને તેમની ઓફિસમાં વિગતવાર પૂછપરછ કરી હતી. સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ ટીમે ગઈકાલથી તપાસ શરૂ કરી દીધી છે. તપાસના ભાગરૂપે આરોપીઓને વધુ પૂછપરછ માટે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પણ લઈ જવામાં આવશે.