પાલનપુર-આબુ હાઇવે પર બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. ટ્રક દુકાનમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવના પગલે પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સિલસિલો જારી રહ્યો છે. રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક પાલનપુર-આબુ હાઇવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે જુના ચેકપોસ્ટથી એરોમાં સર્કલ તરફ જતા બિહારી બાગ પાસે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક રોડ નજીક આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, ટ્રક દુકાનમાં ઘૂસતા જીરેન ગુપ્તા નામના દુકાનદારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. પાલનપુર પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.