મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. વણાગલા રોડ પર વિશ્વકર્મા મંદિર નજીક એક પરિવાર એક્ટિવા પર જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલી એક ગાડીએ પાછળથી ટક્કર મારતાં ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ભાથીજી ઉદાજી ઠાકોર તેમની પત્ની જ્યોત્સનાબેન અને ભાણી સોનલ સાથે ઊંઝામાં સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપ્યા બાદ વણાગલા રોડ પરથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેમના એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઊંઝા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાથીજી ઠાકોરની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં ઊંઝા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.