ડીસા ખાતે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સ્કોર્પિયો ગાડી અને એક કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને પગલે ડીસા રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત પોષડોડા ભરેલા કટ્ટાઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઉપરાંત, ગાડીમાંથી એક પિસ્તોલ અને કારતૂસ પણ મળી આવ્યા હતા.
પોલીસે તાત્કાલિક પોષડોડા ભરેલી સ્કોર્પિયો ગાડીને ડીસા રૂરલ પોલીસ મથકે લાવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોય તેવું આ ઘટના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જિલ્લામાં અફીણ, ગાંજો અને પોષડોડાનું વેચાણ વધવું એ એક અત્યંત ચિંતાજનક બાબત છે. આવા પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરતી ગાડીઓમાંથી હથિયારો પણ મળી આવતા આમ લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. આ અંગે જનતામાં પોષડોડાનું વેચાણ કરતા લોકોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.