મહેસાણા નજીક દેવરાસણ ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રાજસ્થાનના બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. મૃતક યુવકોની ઓળખ પ્રદીપભાઈ મેઘવાલ અને નાયક ભૈરારામ તરીકે થઈ છે. બંને મૂળ રાજસ્થાનના તારાનગરના તોગાવાસના વતની હતા અને છેલ્લા પાંચ વર્ષથી મહેસાણાના પુનિત નગરમાં રહીને કલર કામનો વ્યવસાય કરતા હતા. ગઈકાલે બંને યુવકો વિજાપુર કલર કામની સાઈટ જોવા ગયા હતા. રાત્રે પરત ફરતી વખતે GJ18CP7018 નંબરની બાઈક પર સવાર હતા. દેવરાસણ ગામના પાટિયા પાસે GJ1RY2578 નંબરની કારે બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા. ગંભીર ઈજાઓ સાથે તેમને મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં નાયક ભૈરારામનું મોત નીપજ્યું હતું. પ્રદીપભાઈ મેઘવાલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. મૃતક યુવકોના કાકા સોનુ મેઘવાલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બંને પરણિત યુવકોના મૃતદેહને અંતિમવિધિ માટે વતન લઈ જવામાં આવ્યા છે.