કાંકરેજ તાલુકા માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી અકસ્માતની રાહ જોવા જ રહી છે
ચોમાસુ સિઝનમાં વરસાદ બાદ ઘણી જગ્યાએ નીચેથી રોડ ધોવાઈ જતા વાહન ચાલકને દેખાય નહિ તેવા ઊંડા ખાડા પડી જતા ઘણીવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે કાંકરેજ તાલુકાના આમલુન ગામ થી આગણવાડા જતા થળી નજીક ઢોળાવ હોવાથી વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા ગરનાળા નજીક ઘણા સમયથી રોડ તૂટી ગયો હોઇ સ્થાનિકોએ રોડના પટ્ટા ઉપર ઈંટો તેમજ પથ્થર મૂકી વાહન ચાલકોને સાવચેત કરવા પડી રહ્યા છે. ત્યારે આ રોડ ઉપર મોટા પ્રમાણમાં દિવસે વાહન વ્યવહાર ચાલુ હોય છે. બનાસ ડેરીનું દૂધનું ટેન્કર રોડ ઉપરથી અવારનવાર પસાર થાય છે. તેથી સાઇડ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે હવે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ શિહોરી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ તૂટેલા રોડનું તાત્કાલિક સમારકામ કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવા જણાવાયું છે.

