પાટણ શહેરમાં “આપણું ઘર” અનાથ આશ્રમનું પાટણ સાંસદના હસ્તે લોકાર્પણ કરાયું

પાટણ શહેરમાં “આપણું ઘર” અનાથ આશ્રમનું પાટણ સાંસદના હસ્તે લોકાર્પણ કરાયું

અનાથ આશ્રમમાં 1 થી 13 વર્ષના બાળકોને નિઃશુલ્ક અભ્યાસ, રહેઠાણ અને ભોજન સહિતની તમામ વ્યવસ્થા અપાશે

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ તિરૂપતિ પ્લાઝા ખાતે નિરાધાર અને અનાથ બાળકોના આશ્રય અને ભવિષ્ય નિર્માણ માટે “આપણું ઘર” નામના અનાથ આશ્રમનો સોમવારે પાટણ સાંસદ સહિત ના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.પાટણ ખાતે લોકાર્પણ કરવામાં આવેલ આ અનાથ આશ્રમમાં 1 થી 13 વર્ષના બાળકોને નિઃશુલ્ક અભ્યાસ, રહેઠાણ અને ભોજન સહિતની તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. પાટણ શહેરમાં આ અનોખી પહેલ બ.કાંઠા ના ભાભર તાલુકાના ગોસણ ગામના વતની અને માત્ર 23 વર્ષીય જલ્પાબેન રબારી દ્વારા પોતાની ત્રણ વર્ષની નોકરીની બચતમાંથી આ પુણ્ય કાર્યનો પ્રારંભ કર્યો હોવાનું જણાવ્યું હતું.

જલ્પાબેને ધોરણ 12 પછી ગાંધીનગરમાં બે વર્ષ નોકરી કરી હતી અને ગાયિકા તરીકે પણ અનેક સ્ટેજ કાર્યક્રમો કર્યા હતા. નોકરી અને કાર્યક્રમો દરમિયાન ભિક્ષા માંગતા બાળકોને જોઈને તેમને આવા બાળકોના ભવિષ્યને સુધારવાની પ્રેરણા મળી હતી અને આ જ પ્રેરણાથી તેમણે અનાથ બાળકોને સારું અને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે આ આશ્રમ સ્થાપવાનો નિર્ણય કરી પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા તિરુપતિ પ્લાઝામાં ભાડેથી લીધેલા 12 રૂમમાં આ આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં 35 બાળકો રહી શકે તેવી વ્યવસ્થા છે. હાલમાં 12 બાળકો નોંધાયા છે, જેમને રહેવા,જમવા, ભણવા, કપડાં સહિતની તમામ જરૂરી સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. બાળકોને સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવા સહિતની વ્યવસ્થા પણ આશ્રમ દ્વારા કરવામાં આવી છે.આશ્રમમાં પ્રવેશ મેળવનાર બાળકોને પાટણની શાળામાં પ્રવેશ અપાવવામાં આવશે અને યુનિફોર્મ, ફી સહિતની તમામ જવાબદારી સંસ્થા ઉઠાવશે.

જે બાળકોને સિંગિંગ, ડાન્સ,ચિત્રકામ કે અન્ય કોઈ ક્ષેત્રમાં રસ હશે, તેમને તે ક્ષેત્રના અલગ ક્લાસમાં મૂકવામાં આવશે. આ સાથે, જલ્પાબેન પોતે પણ આશ્રમમાં બાળકોને કલાસીસ લઈ અભ્યાસમાં મદદરૂપ થશે. જલ્પાબેને અપીલ કરી છે કે આ અનાથ આશ્રમમાં ગુજરાતના કોઈપણ જિલ્લાના અનાથ બાળકોને પ્રવેશ મળશે. કોઈપણ જગ્યાએ અનાથ બાળક હોય તો તેમનો સંપર્ક કરવા તેમણે વિનંતી કરી છે, જેથી આવા બાળકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાતાવરણ મળી શકે. આશ્રમના સંચાલન માટે લોક ભાગીદારી પણ આમંત્રિત કરવામાં આવી છે.

આ પ્રસંગે ઉપસ્થિત પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જલ્પાબેનની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, “કોઈ પણ કામ સહેલું અને સરળ નથી હોતું, સરળ બનવું પડે છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જે સંસ્થા ઊભી થઈ છે, તે સંસ્થાઓનો અનુભવ લઈ જલ્પાને આ વિચાર આવ્યો છે, તેના માટે આપણે બધાએ વિચાર કરવો પડશે. સેવાનું એક કામ કરીએ કે હજાર કામ કરીએ, તેટલી જ શક્તિ વાપરવાની છે.” તેમણે જલ્પાબેન રબારીને તેમના આ ઉત્તમ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ ભાજપ અગ્રણી વિનયસિંહ ઝાલા,નવઘણજી ઠાકોર, મગનભાઈ, તળાજાભાઈ, જોરાભાઈ, બળદેવભાઈ, અલ્કેશભાઈ અને કિરણભાઈ  સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *