સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થતી હોવાના આક્ષેપ સાથે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને પુરાવા આપ્યા; આમ આદમી પાર્ટીના છાત્રવિંગ સીવાયએસએસના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડાએ વિદ્યાર્થીઓ સાથે મળીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીને એક ગંભીર મુદ્દા પર રજૂઆત કરી હતી. આ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરતા સુરજ બગડાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે અને દરેક સેન્ટરનું ધ્યાન રાખવામાં આવશે, આની સાથે સાથે સ્ક્વોડની ટીમ પણ દરેક સેન્ટરની તપાસ કરતી હોય છે. પરંતુ બીજી બાજુ હાલ એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે
જે અનુસાર અમરેલીના એક સેન્ટર અંદર પરીક્ષાનો સમય ૧૦;૩૦ વાગ્યાનો હોય ત્યારે ૧૦;૩૦ વાગ્યાથી જ પ્રશ્નપત્રના સવાલોના જવાબો આપવાનું શરૂ કરી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓ એકબીજા સાથે પ્રશ્નોના જવાબની આપ લે કરે છે. તો અમારો સવાલ છે કે શું સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાની છૂટ છે? પરીક્ષામાં આવી ઘોરબેદરકારી કઈ રીતે થઈ શકે? આ અગાઉ પણ વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયા છે અને હવે ફરીથી આ ઘટના સામે આવી છે. તો અમારો સવાલ છે કે આવી ઘટનાઓ ક્યારે અટકશે? આજે અમે આ મુદ્દા પર પુરાવાઓ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી છે.