એક પણ ધાર્મિક સ્થળ અને નુકસાન થશે તો જલદ કાર્યક્રમો આપવાની ચિમકી પાટણમાં ૨૩ ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસ મામલે શનિવારે આપ પાર્ટીએ નગરપાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી ચિફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું હતું અને ચિમકી ઉચ્ચારી હતી કે જો એક પણ ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે તો જલદ આંદોલન કરવામાં આવશે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ નગરપાલિકાએ શહેરના ૨૩ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવાની નોટિસ આપી છે.
આ મુદ્દે આમ આદમી પાર્ટીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યુ હતું. નગરપાલિકાએ આ ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટને ૧૫ દિવસની અંદર જમીનની માલિકી અને બાંધકામની મંજૂરીના આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. જો આ સમયમર્યાદામાં પુરાવા રજૂ નહીં થાય તો દબાણો દૂર કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાટણ એક ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે. અહીં વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે અને સૌ સાથે મળીને તહેવારોની ઉજવણી કરે છે. શહેરમાં બધા ધર્મોના અનોખા ધાર્મિક સ્થાપત્યો આવેલા છે, જે પાટણનું ગૌરવ છે. પાર્ટીએ માંગ કરી છે કે નગરપાલિકાએ આપેલી તમામ નોટિસો પાછી ખેંચવામાં આવે. કોઈપણ ધાર્મિક સ્થળને નુકસાન ન પહોંચશે તો આમ આદમી પાર્ટી દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે.