મહેસાણા જિલ્લામાં આવેલા ભાન્ડુથી વિસનગરને જોડતા મહત્ત્વના બ્રિજના નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રિપોર્ટ મુજબ, જે બ્રિજને બન્યે હજુ માંડ બે વર્ષનો સમય થયો છે, તે સ્પષ્ટપણે બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. ટૂંકા ગાળામાં બ્રિજના આ રીતે બેસી જવાની ઘટનામાં જાહેર જનતાના નાણાંનો દુરુપયોગ થયો હોવાનું અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો.
આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા સંગઠને આંદોલનને સફળ બનાવવા માટે તમામ પદાધિકારીઓ અને સક્રિય કાર્યકરોને આદેશ આપ્યો છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ ગંભીર મુદ્દે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા માટે જિલ્લાના પદાધિકારીઓ અને જાગૃત નાગરિકો સદર બ્રિજ નજીક ચક્કાજામ કાર્યક્રમ કર્યો હતો. પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને સજા કરાવવાનો અને જનતાના પૈસાના વેડફાટને રોકવાનો છે.

