બાજરી સાથે પુળાના ભાવ પણ ઊંચકાતાં ખેડૂતોમાં ખુશાલી; બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે કાળઝાળ ગરમી પડતા ઉનાળુ બાજરીનું બમ્પર ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે બાજરીનાં પૂળાની માંગમાં પણ ઉછાળો આવતા પુળા દીઠ ભાવ 25 થી 30 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેથી ‘આમ કે આમ ઓર ગુટલી કે ભી દામ’ જેવો ઘાટ ઘડાતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં મોટા ઉદ્યોગોના અભાવે મુખ્ય વ્યવસાય ખેતી છે. પરંતુ ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ પુરબહારમાં ખીલી ઉઠ્યો છે. જેના કારણે સમગ્ર એશિયા ખંડમાં સૌથી વધુ દૂધનું સંપાદન જિલ્લાની બનાસ ડેરી દ્વારા થાય છે.તેથી જિલ્લામાં પશુઓના નિર્વાહ માટે ઘાસચારાની બારે માસ વધુ માંગ રહે છે. મોટા ભાગના પશુપાલકો ઉનાળુ બાજરીના પુળા ‘હાલા’ (ઢૂંગરા) રૂપે ખડકી સંગ્રહ કરે છે પછી બાર મહિના સુધી પશુઓને સૂકા ઘાસચારા માટે તેનો ઉપયોગ કરે છે.
જેથી હાલમાં ચાલતી બાજરી લેવાની મોસમ દરમિયાન બાજરી સાથે તેના પૂળાના ભાવમાં પણ આકસ્મિક રીતે વધારો આવી ગયો છે. જેથી ગત 2024 ના વર્ષની જેમ આ વર્ષે પણ એક પૂળાનો ભાવ 25 થી 30 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જેના કારણે ખેડૂતોને બેવડો ફાયદો થઇ રહ્યો છે. ચોમાસુ સિઝન શરૂ થાય તે પહેલાં પશુ પાલકો બાજરીના પુળાનો સંગ્રહ કરતા હોય છે. જેના કારણે હાલમાં ખેતરોમાં ટ્રેક્ટરો અને ટ્રકો ભરીને બાજરીના પુળાનું વેચાણ થઈ રહ્યું છે. જે બાજરીના પુળા છેક સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને રાજસ્થાન રાજ્ય સુધી જાય છે.વેપારીઓ ખેતરોમાં ફરીને પૂળા વાહન મારફત લઈ જાય છે.તેથી વધેલી માંગ સાથે ભાવો પણ વધતા બાજરીનું વાવેતર કરનાર ખેડૂતોને બખ્ખા થઈ ગયા છે.
માર્કેટયાર્ડ બાજરીની આવકોથી ઉભરાયા; બાજરીનો પાક ખાદ્યાન્ન પાક છે પરંતુ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળુ સીઝનમાં શક્કરટેટી અને તરબૂચનું વાવેતર વધતા બાજરીનું વાવેતર ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. તેમ છતાં ખેડૂતો ખાવા પૂરતી બાજરીનું વાવેતર કરે છે અને બાજરીનો સરેરાશ મણ દીઠ રૂ.400 ઉપરાંતનો ભાવ પણ ખેડૂતોને મળી રહ્યો છે. તેથી ખેડૂતો ખાવા પૂરતી બાજરી ઘરે રાખી બાકીનું વેચાણ કરી દેતા જિલ્લાના માર્કેટયાર્ડ બાજરીની આવકોથી ઉભરાઈ ઉઠ્યા છે.