અંગતપળોના ફોટા વાયરલ કરી ધમકી આપી યુવતીએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી; ડીસામાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધવાની અને અંગત પળોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પીડિત યુવતીએ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પીડિત યુવતી ડીસાની એક ખાનગી ઓફિસમાં નોકરી કરતી હતી, જ્યાં તેની મુલાકાત ચિરાગભાઈ પઢીયાર (માળી), રહેવાસી મહાદેવીયા, તા. ડીસા નામના યુવક સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને તેઓ ફોન અને વોટ્સએપ દ્વારા વાતચીત કરતા હતા. આ દરમિયાન, ચિરાગે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું અને એક ગેસ્ટહાઉસમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ, ચિરાગે અનેક વખત યુવતી સાથે જબરદસ્તીથી સંબંધ બાંધ્યા અને તેના અંગત પળોના ફોટા પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા.
યુવતીને હેરાનગતિ થતાં તેણે નોકરી છોડી દીધી અને બીજી જગ્યાએ નોકરી શરૂ કરી, પરંતુ ચિરાગે ત્યાં પણ ધમકી આપીને તેને નોકરી છોડાવી દીધી હતી. યુવતીએ સંબંધો પૂરા કરીને ચિરાગનો નંબર બ્લોક કરી દીધો, પરંતુ ચિરાગે તેને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે યુવતીના ફોટા તેના સંબંધીઓના મોબાઈલમાં પણ વાયરલ કરી દીધા હતા. પીડિત યુવતીએ આ ઘટનાની ફરિયાદ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ચિરાગ પઢીયાર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.