થરાદની નર્મદા કેનાલ સુસાઈડ પોઈન્ટ બની છે. છેલ્લા 10 દિવસમાં આ કેનાલમાંથી 9 મૃતદેહ મળ્યા છે, જેમાં 5 પુરુષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે. રાજસ્થાનના પ્રેમી યુગલે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. થરાદ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં ઘરેથી નીકળ્યાં હતાં.
થરાદ તાલુકાના ડોડગામમાં ભાગિયા તરીકે રહેતાં રાજસ્થાનનાં યુવક-યુવતીએ નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયેલાં આ યુવક-યુવતીના મૃતદેહ ગઈકાલે સવારે થરાદની મુખ્ય નર્મદા કેનાલના ખાનપુર ફાટક પાસેથી મળ્યા હતા. મૃતક યુવક મુકેશ મલુકાજી માજીરાણા (ઉં.20) સુજા ગામનો અને યુવતી શારદા ભગાજી માજીરાણા (ઉં.21) હાથલા ગામની રહેવાસી હતી. બંને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાનાં વતની હતાં.
આ બંન્ને યુવક-યુવતીના હાથ એકબીજા સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા. છેલ્લા 10 દિવસમાં 9 મૃતદેહ મળ્યા હોવાનું ઉમેરતાં થરાદ પાલિકાના ફાયર ઓફીસર વિરમજી રાઠોડએ જણાવ્યું હતું કે આ અંગેની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસમાં થરાદ પાસેની મુખ્ય કેનાલમાંથી નવ જેટલા મૃતદેહ મળ્યા છે, જ્યારે ગાયત્રીબેન ભાટી નામની એક મહિલાને ફાયર ટીમે જીવિત બચાવી હતી.
આ ઘટના બાબતે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને થરાદ તાલુકાના ડોડગામ ગામે ભાગિયા તરીકે ખેતી કામ કરતાં હતાં. તેમના મૃતદેહ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહની ઓળખ થયા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહ તેમને સોંપવામાં આવ્યા હતા.
મૃતકોનાં નામ
મુકેશભાઈ મલુકાજી માજીરાણા (ઉં.20, ગામ. સુજા, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાન)
શારદાબેન ભગાજી માજીરાણા (ઉંમર. 21, ગામ. હાથલા, તા.સેડવા, જિ.બાડમેર, રાજસ્થાન)
ગઇકાલે જ ડીસાના કંસારી ગામના યુવકનો મૃતદેહ મળ્યો
થરાદ નજીક આવેલી નર્મદા મુખ્ય કેનાલમાંથી ગતરોજ (2/6/25) ડીસાના કંસારી ગામના યુવકનો મૃતદેહ મળ્યો હતો. ડેરી પુલ નજીક આસારામ આશ્રમની સામેથી મૃતદેહ મળ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવકના પેન્ટના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. મૃતક ચંદુભાઈ વાલ્મિકી ડીસા તાલુકાના કંસારી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.