પૂર્વ નગરસેવિકાએ અગ્નિ સ્નાન કરતા ગંભીર રીતે દાઝી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
કચરો નાંખવાની નજીવી બાબતે બે મુસ્લિમ પરિવારો વચ્ચે ચાલતી હતી તકરાર; પાલનપુરમાં બારડપુરા પોલીસ ચોકીની બહાર એક મહિલાએ આત્મદાહનો પ્રયાસ કરતા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પાલનપુરના જનતા નગરમાં રહેતા બે મુસ્લિમ પરિવારો વચ્ચે કચરો નાંખવા જેવી નજીવી બાબતે તકરાર થઈ હતી. જે અંગે બંને પક્ષો દ્વારા પોલીસ સ્ટેશનમાં સામ સામે અરજીઓ કરાઈ હતી. જેને લઈને પોલીસે બંને પક્ષને બારડપુરા પોલીસ ચોકીએ બોલાવ્યા હતા. જ્યાં લાગી આવતા પાલનપુર નગરપાલિકાની પૂર્વ નગરસેવિકા ગુલશનબેન ચુનારા એ પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ નાખી આત્મદાહનો પ્રયાસ કર્યો હતો.
આત્મવિલોપન કરવા જતાં મહિલા ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, આત્મદાહ કરનારી મહિલાને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.એસ.પટણીએ જણાવ્યું હતું.
પૂર્વ નગરસેવિકાને મહેસાણા ખસેડાઇ; જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે તેઓને અમદાવાદ રીફર કરવાની ભલામણ કરી હતી. જોકે, તેઓ હાલમાં મહેસાણા ખાતે લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેઓ લગભગ 60 ટકા દાઝી ગયા હોવાનું તેઓની સાથે ગયેલા પાલનપુર નગરપાલિકાના સદસ્ય અબરાર શેખે જણાવ્યું હતું. આત્મદાહ કરનાર પૂર્વ નગર સેવિકા ગુલશનબેન ચુનારા ગત ટર્મમાં વોર્ડ નં.4 માંથી કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટાયા હતા.