અંબાજી અરવલ્લીની અને આબુ ગિરિમાળાને હરિયાળી બનાવવા રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલ અને ગ્રીન અરવલ્લી રેન્જ અભિયાનનો સંયુક્ત પ્રયાસ પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણના ઉમદા આશય સાથે રાયચંદ સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલ (અંગ્રેજી માધ્યમ) અને ગ્રીન અરવલ્લી રેન્જ અભિયાનના સંયુક્ત ઉપક્રમે રવિવારે શાળા સંકુલ ખાતે સિડ બોલ બનાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને અનેક પર્યાવરણ પ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સિડ બોલ તૈયાર કરવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ આગામી ચોમાસા દરમિયાન આ તમામ સિડ બોલને અરવલ્લી, અંબાજી અને માઉન્ટ આબુ સહિતની ગિરિમાળાઓમાં મૂકીને વધુને વધુ વૃક્ષો ઉગે, પ્રકૃતિ હરિયાળી બને અને પર્યાવરણનું જતન થાય તેવો છે. પ્રકૃતિના ઋણ ચૂકવવાના આ ઉમદા આશય સાથે આયોજિત આ અભિયાનમાં અનેક બાળકો, વાલીઓ અને ગુરુજનો જોડાયા હતા.
આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને ભવિષ્યની પેઢીને હરિયાળું વાતાવરણ પૂરું પાડવા માટે પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સિડ બોલ અભિયાન ભવિષ્યમાં આ વિસ્તારની ગિરિમાળાઓને હરિયાળી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.