થરાદના મિયાલ પાસે રોડ ક્રોસ કરી રહેલા પરિવાર સાથે અક્સ્માત; થરાદમાં હૈયુ હચમચાવતી બનેલી એક ઘટનામાં સાંચોર તરફથી પુરઝડપે માતેલા સાંઢની જેમ આવતી એચ આર 61 એફ 7141 નંબરની ટ્રકે માસૂમને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાળકના શરીરનો કમરથી નીચેનો ભાગ ટ્રક નીચે કચડાઇ ગયો હતો તો એક હાથ ટાયર વચ્ચે ફસાઇ ગયો હતો. જેના કારણે પાંચ વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ કરુણ અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
થરાદના મિયાલ ગામે એક બાળક પોતાની માતા અને દાદી સાથે મોટાબાપુના ઘેરથી પરત ફરી રહ્યો તો. અલ્પેશ પોતાની માતા સાથે હાઈવે ક્રોસ કરવા માટે રોડની સાઈડમાં ઊભો હતો, તે દરમિયાન સાંચોર તરફથી પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે 5 વર્ષીય અલ્પેશ સુરેશભાઈ દેસાઈ (બાળક)ને કચડી નાખ્યો હતો. અકસ્માતમાં બાળકની માતા પણ ઈજાગ્રસ્ત થવા પામી હતી. જો કે અકસ્માતની ભયાનકતા એટલી હતી કે, બાળકના શરીરનો કમરથી નીચેનો ભાગ ટ્રક નીચે કચડાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં બાળકનો એક હાથ ટ્રકના ટાયર વચ્ચે ફસાઈ ગયો હતો, જેને બાદમાં બહાર કાઢવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને નાસી રહેલા ટ્રક ચાલકને પકડી લીધો હતો.થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બનાવને પગલે પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.