ડીસા શહેરના હૃદયસમા રાજમંદિર સર્કલ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રકની અડફેટે આવતા શારદાબેન અમરતભાઈ લુહાર નામની મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે.
અકસ્માતની વિગત એવી છે કે ડીસાની ધરતી રેસીડેન્સીમાં રહેતા શારદાબેન રાજમંદિર સર્કલ નજીકના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બેફામ પણે પસાર થઈ રહેલી ટ્રકે અચાનક શારદાબેનને ટક્કર મારી હતી. જેથી જમીન પર પટકાતા શારદાબેનને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસ હાલમાં તેની શોધખોળ કરી રહી છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ડીસા દક્ષિણ પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી મૃતક મહિલાની લાશને પીએમ અર્થે મોકલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શારદાબેનના મૃત્યુથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળની આજુબાજુ ઓવરબ્રિજ પૂરો થતો હોઇ મોટી સંખ્યામાં રોંગ સાઈડે વાહનો આવતા હોય છે. તેમજ રસ્તાની સાઈડ પર પણ ધૂળના થર જામેલા હોઇ તેમજ રસ્તો તૂટેલો હોઇ અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવા કે રસ્તો પહોળો કરવાની કોઈ તસ્દી લેવાતી નથી.તેથી લોકોમાં રોષ છવાયો છે.