વડાપ્રધાનએ સતત ગરીબ કલ્યાણનું કામ કરી છેવાડાના વ્યક્તિઓની હર હંમેશા ચિંતા કરી છે:-અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના ૫૦ હજાર ગામડાઓના કુલ ૫૮ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો,જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આજે દેશભરમાં યોજાયેલા સ્વામિત્વ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરી સ્વામિત્વ યોજના થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે, તેની લાઈવ ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાનએ આજે દેશભરમાં જે લોકોને સ્વામિત્વ કાર્ડ મળ્યા છે તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારતના અભિયાનમાં પોતાનું યોગદાન આપવા સૂચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્વામિત્વ યોજના અંતર્ગત લાખો લોકોને પોતાની માલિકીના મિલકતનો હક મળ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી વિઝનના કારણે આજે ગ્રામીણ ભારતમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. સ્વામિત્વ યોજનાથી ગરીબ અને વંચિત લોકોનું સશક્તિકરણ થઈ શકશે તથા વર્ષોથી પોતાના ઘરમાં રહેતા લોકોને હવે માલિકીનો હક મળતા ગ્રામીણ વિકાસને વેગ મળી રહેશે.