ધાનેરાનો થરાદ જિલ્લામાં સમાવેશના વિરોધમાં સજ્જડ બંધ પળાયો 

ધાનેરાનો થરાદ જિલ્લામાં સમાવેશના વિરોધમાં સજ્જડ બંધ પળાયો 

ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જીલ્લો જાહેર કરેલ છે. જેમાં બનાસકાંઠામાંથી ધાનેરા તાલુકાનો પણ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરેલ છે .જેના વિરુદ્ધમાં ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા તારીખ 4 ,1 ,2025 ના રોજ સંપૂર્ણ બંધનું એલાન આપેલ. જે અનુસંધાને ધાનેરા સંપૂર્ણ બંધ રહેલ અને રેલી કાઢી બેનરો સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

ધાનેરા તાલુકો બનાસકાંઠામાં રહે તે બાબતે સમગ્ર તાલુકાની પ્રજા પણ સમર્થન કરતા ધાનેરા તાલુકા વકીલ મંડળે પણ ગુજરાત સરકારના નિર્ણયને વખોડયો છે. તેમજ ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિએ આપેલા બંધને પૂરેપૂરું સમર્થન આપેલ.વધુમાં ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકાના નાયબ કલેકટરની કચેરી હાલમાં ધાનેરા મુકવામાં આવેલ છે. જેથી ધાનેરા તાલુકાની પ્રજા અને દાંતીવાડા તાલુકાની પ્રજાને ધાનેરા આવવામાં ખૂબ જ સગવડતા રહે છે.

બનાસકાંઠાનું વિભાજન કરી વાવ થરાદ જિલ્લામાં ધાનેરા તાલુકાનો સમાવેસ કરવામાં આવે તો નાયબ કલેક્ટર વડુ મથક પણ ભવિષ્યમાં બદલાઈ જવાની શક્યતાઓ  છે.ધાનેરા તાલુકાની પ્રજાને પણ થરાદ તાલુકા મુકામે જવામાં ખૂબ જ અગવડતા પડે તેમ છે તેમ જ હાલ ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકાની નામદાર એડિશન કોર્ટ ડીસા મુકામે કાર્યરત છે જેનું અંતર 30 કી. મી.જેટલું થાય છે અને જો થરાદ મુકામે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો તો ધાનેરા તાલુકાના વકીલો- તાલુકાની પ્રજાને ન્યાય માટે 45 થી 50 કિલોમીટર દૂર જવું પડશે તથા ત્યાં જૂજ બસો જતી હોઇ પ્રજાને પરેશાન થવાનો વારો આવશે જેથી ખૂબ જ અગવડતા પડશે.

મૂળ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર મુકામે વિદ્યાર્થીઓને અભ્યાસ બાબતે પણ ખૂબ જ સારી સરળતા રહે છે. તેમજ મોટા પ્રમાણમાં સ્કૂલો આવેલી હોય અને ધાનેરા તાલુકાના વિદ્યાર્થી વધુમાં વધુ પાલનપુર મુકામે અભ્યાસ કરે તેમજ પાલનપુર સામાજિક, શૈક્ષણિક ,ભૌગોલિક તમામ રીતે ધાનેરા સાથે જોડાયેલું છે .આરોગ્યની બાબતે પણ મેડિકલ સુવિધાઓ ખૂબ જ છે અને હાલ પણ ધાનેરાના તમામ લોકો સારવાર અર્થે ડીસા તેમજ પાલનપુર પાલનપુર મુકામે જતા હોય છે જેથી મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા તાલુકાને ચાલુ રાખવામાં આવે તો તાલુકાની પ્રજાને જવા આવવામાં ખૂબ જ  સગવડતા રહેશે તેમજ ધાનેરાના વેપારીઓ પણ ડીસા પાલનપુર ઊંઝા મહેસાણા અને અમદાવાદ મુકામે વેપાર અર્થે જતા હોઇ તેમજ ત્યાંથી ખરીદી પણ કરતા હોઇ પાલનપુર સરળ પડે છે. ધાનેરાની પ્રજાને મુખ્ય મથક પાલનપુર મુકામે કોઈ પણ કામ હોય તો સરળતાથી વાહન સુવિધા પણ મળી રહે છે. જેથી કરીને ધાનેરા તાલુકાની મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેને અનુલક્ષીને આજે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન કરવામાં આવેલ જેથી પ્રજા તથા વેપારીઓએ ધંધા રોજગાર બંધ કરી બંધમાં સમર્થન આપ્યું હતું.

જલદ આંદોલન છેડાશે: ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના રાવલભાઈએ જણાવેલ કે ધાનેરા ભૌગોલિક, સામાજિક,શૈક્ષણિક રીતે રેલવે બાબતે તમામ સુવિધાઓથી બનાસકાંઠા સાથે જોડાયેલ છે. થરાદ ઘણી અગવડ પડે, વાહન મુસાફરીમાં પણ મુશ્કેલી વધશે તો બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાનો સમાવેશ થાય તેવી માગણી કરી હતી અને જો સરકાર બનાસકાંઠા જિલ્લામાં નહીં રાખે તો આગામી સમયમાં જલદ પગલાં ભરી રસ્તા રોકો આંદોલન,સહી ઝુંબેશ તથા અન્ય કાર્યક્રમ પણ કરવામાં આવશે. છેલ્લે ચૂંટણી બહિષ્કાર કરવાની જરૂર પડે તો એ પણ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *