આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામા આવતા રોષ
સરકારે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરતો પરિપત્ર કર્યો
રાજ્યમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિકના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોસ્ટ મેટ્રિકમાં મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ મેળવતા આદિવાસી સમાજમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કરવામાં આવતા આદિવાસી વિદ્યાર્થીઓ રોષે ભરાયાં છે અને શિષ્યવૃત્તિ ચાલુ રાખવા જિલ્લા કલેકટર આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજ્યમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને નર્સિંગ,ફાર્મસી,ડિગ્રી ઇજનેરી,ડિપ્લોમા,એમબીબીએસ જેવા ઉચ્ચ અભ્યાસ કરવા માટે વર્ષ 2010 થી કેન્દ્ર સરકારના 75 ટકા અને રાજ્ય સરકારના 25 ટકા મળી 100 ટકા રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી જેને લઇ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓન ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરતા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગત.તા.28 ઓકટોબર 2024 ના રોજ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિકમાં મેનેજમેન્ટ કવોટામાં એડમિશન મેળવે તો તેમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જોકે આ પરિપત્રથી અનેક આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને તેમ હોય આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોસ્ટ મેટ્રિકમાં વિદ્યાર્થીઓને વર્ષોથી આપાવમાં આવતી શિષ્યવૃતિ ચાલુ રાખવા અને સરકારે કરેલ શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી.