મોબાઈલ ગેમ અને સોગનના રવાડે ચડેલા બાળકોએ હાથમાં કાપા માર્યા
ગુજરાતના બગસરામાં બનેલી ઘટનાનું ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળામાં પુનરાવર્તન થયું હોવાની ઘટના સામે આવી છે. શાળાના બાળકો દ્વારા હાથ ઉપર ચેકા મારવાની ઘટના બની હતી. જોકે આ ગમ્ભીર બાબતે બાળકોમાં જાગૃતી આવે અને આવા દુષણથી બાળકો દૂર રહે તે માટે ગઈકાલ ગુરુવારે શાળા પરિવાર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી શાળામાં જાગૃતિ સેમીનાર યોજી વાલીઓ અને બાળકોને જાગૃત કર્યા હતા.પણ જાણવા મળેલ માહિતી મુજબ શાળાના છથી આઠ જેટલા બાળકોએ મોબાઈલ ગેમના રવાડે ચઢી પોતાના હાથ પર કાપા માર્યા હતા.જેથી આજે શુક્રવારે ડીસા શહેર પોલીસ સ્ટાફ પણ શાળામાં આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.આ બાબતે શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવાડીયાએ જણાવ્યું હતું કે આ ઘટના થોડા દિવસ અગાઉની છે. અમે બે -ત્રણ વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓને પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગન આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાયું હતું. જો કે બીજા દિવસે અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ટીપીઈઓને જાણ કરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સિલિંગ કરાવ્યું હતું. હાથ પર કાપા મારવાની ઘટના બાદ તમામ બાળકો સ્વસ્થ્ય છે પરંતુ સામાન્ય બાબતને મોટું સ્વરૂપ અપાતા ગભરાયેલા બાળકો શાળાએ આવ્યા નથી.
બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ; આ બાબતે આચાર્ય શ્રવણભાઇએ જણાવ્યું કે, અન્ય એક વિદ્યાર્થીના હાથ પર કાપા હતા. તો તેને પૂછ્યું કે તે કેમ હાથ પર આવી રીતે કાપા માર્યા છે? તો તેણે કહ્યું કે મારા મિત્રએ મારા માતા-પિતાના સોગન આપ્યા હતા. એટલે મે આવું કર્યું છે. તેથી અમે બાળકને સમજાવીને જવા દિધા પણ બીજા દિવસે અમે હેલ્પલાઇન નંબર 1098 પર ફોન કર્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓ આવા રવાડે ન ચડે એ માટે ગઇકાલે કાઉન્સેલિંગનું આયોજન કર્યું હતું.
વાલીઓના મોબાઇલ પણ ચેક કરાયા, આચાર્ય; આચાર્યે ઉમેર્યું હતું કે, કાઉન્સેલિંગની ટીમે પીડિત વિદ્યાર્થીઓના વાલીઓના ફોન પણ ચેક કર્યા અને જોયું કે તેમાં આવી કોઇ ઓનલાઇન ગેમ છે કે નહીં? પરંતુ આવી કોઇ ગેમ વાલીઓના મોબાઇલમાં મળી નથી. છતાં ટીમ અભ્યાસ કરી રહી છે. હાલ બાળકો એટલા ડરી ગયા છે કે શાળાએ આવતા ડરી રહ્યા છે, કદાચ વાલીઓ પણ ડરતા હશે કે કોઇ પોલીસ કાર્યવાહી થશે તો? એવા ડરે પણ બાળકોને શાળા મોકલતા ન હોય તેમ બની શકે.