અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર વધી રહેલા અકસ્માતો ના બનાવોને લઈ માર્ગો રક્ત રંજીત બની રહ્યા છે; ત્યારે બુધવારે પાટણના ચાણસ્મા-હારીજ હાઇવે પર સેધા ત્રણ રસ્તા નજીક બાઈક અને ટ્રક વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર સેઢાલ ગામના પતિ- પત્ની અને બાળક પૈકી આઠ માસનો ગર્ભ ધારણ કરેલ મહિલાનું ધટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે તેના પતિને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જયારે બાળક નો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત સજૅનાર ટ્રક ચાલક પોતાની ટ્રક લઈને ફરાર થઈ જતાં પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતની મળતી હકીકત મુજબ સેઢાલ ગામના બળવંતભાઈ ઓડ તેમની આઠ માસ નો ગર્ભ ધારણ કરેલી પત્ની કાજલબેન અને પુત્ર બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ચાણસ્મા હારીજ માર્ગ પર સેધા ગામ નજીક પાછળથી આવતી ટ્રકે તેઓના બાઇકને જોરદાર ટક્કર મારતા બાઈક પરથી ત્રણેય નીચે પટકાયા હતા.જેમા આઠ માસની ગર્ભવતી કાજલબેનને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બળવંતભાઈને સામાન્ય ઈજાઓ થતાં 108 મારફતે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો તેમના પુત્રનો આબાદ બચાવ થયો હતો.
આ અકસ્માત દરમિયાન લોકોનાં ટોળાં ધટના સ્થળે એકત્ર થતાં ટ્રક ચાલક અકસ્માત બાદ પોતાની ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ અકસ્માત કરી ભાગી છુટેલા ટ્રક ચાલક ની તપાસ કરતા ચાલક સમી નજીક પોતાની ટ્રક મૂકીને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તો બનાવમાં મૃતક મહિલાનું પંચનામું કરી ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. ચાણસ્મા પોલીસે ફરાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.