માર્કેટ સહિતના દબાણો પર તંત્ર ત્રાટકશે: આજુબાજુના વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખી સહયોગ આપવા તાકીદ, પાલનપુર શહેરના રેલવે સ્ટેશન રોડ સહિત માર્કેટમાં થયેલા દબાણો સામે થયેલી ફરિયાદોને પગલે પાલનપુર નગરપાલિકાએ દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરી છે. જેને પગલે પાલિકા એ દબાણદારોને નોટિસ ફટકારી સ્વૈચ્છિક દબાણો દૂર કરવાની તાકીદ કરી છે. જોકે, દબાણો દૂર નહિ કરાય તો આવતીકાલે ચોથી ફેબ્રુઆરીએ પાલિકા તંત્ર દબાણો પર ત્રાટકશે. પાલનપુર શહેરના સ્ટેશન રોડ, સીમલાગેટ, મટન માર્કેટ સહિતના વિસ્તારોમાં થયેલા દબાણો સામે જુદા જુદા અરજદારો દ્વારા રજૂઆતો કરાઈ હતી. જેને પગલે પાલિકાએ દબાણદારોને નોટિસ ફટકારી સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની તાકીદ કરી છે.
જો દબાણદાર વેપારીઓ સ્વેચ્છાએ દબાણ દૂર નહિ કરે તો પાલનપુર નગરપાલિકા દ્વારા ચોથી ફેબ્રુઆરીએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, દબાણો દૂર કરાવવાની કાર્યવાહી દરમિયાન સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આસપાસના વેપારીઓને પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનું ફરમાવવામાં આવ્યું છે. ત્યારે પાલિકાની દબાણદારો સામેની કાર્યવાહી કેટલી કારગત નીવડશે તે તો જોવું રહ્યું..!