ધનપુરા બર્નિંગ કારમાં થયો મોટો ખુલાસો: Palanpur-Ambaji હાઇવે પર ધનપુરા પાસે ધ બર્નિંગ કારમાં મોટો ઘટસ્ફોટ થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. રૂ.1.26 કરોડનો વીમો પાસ કરાવવા પોતાના મોતનું તરકટ રચવાના કેસમાં કબ્રસ્તાનમાંથી મૃતદેહ સળગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં કબ્રસ્તાનમાંથી લાવેલો મૃતદેહ નહિ પણ હોટલ માલિકે પોતાના ત્યાં કામ કરતા અમીરગઢના શ્રમિકને જ જીવતો સળગાવ્યો હોવાનું બહાર આવતા ચોંકી ઉઠેલી પોલીસે મુખ્ય સૂત્રધાર એવા હોટલ માલિકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાસકાંઠામાં દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર (રાજપૂત) નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં તેણે કારમાં એક મૃતક વ્યક્તિના મૃતદેહને મૂકી કાર બાળી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતદેહ કબ્રસ્તાનનો મૃતદેહ ન હોવાનું બહાર આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં હોટલ માલિક ઢેલાણા ગામના દલપતસિંહ પરમાર (રાજપૂત)અને તેના સાગરિતોએ હોટલ પર મજૂરી કરતા અમીરગઢના શ્રમિકને જીવતો સળગાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
વડગામના ધનપુરા નજીક સળગી ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં મળેલા માનવ કંકાલમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. દલપતસિંહ પરમારે દેવામાંથી છૂટકારો મેળવવા પોતાનો જ રૂ.1.26 કરોડનો વીમો પકવવાનું ષડયંત્ર રચ્યું હતું. આમ વીમો ત્યારે જ પાકે જ્યારે તેનું મૃત્યુ થાય. જેથી ચાર મહિના પહેલા મરેલા વ્યક્તિની લાશ કબરમાંથી ખોદી લાવી કારમાં મૂકી દીધી હતી. જે બાદ રાત્રે કારમાં મૃતક વ્યક્તિની લાશ મૂકી સળગાવી દીધી હતી. જે બાદ દલપતસિંહ અને તેના તમામ મિત્રો ભાગી ગયા હતા.
તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ: આ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે, વીમો પકવવા માટે ઢેલાણાના સ્મશાનમાંથી રમેશ સોલંકી નામના વ્યક્તિનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું. પરંતુ પોસ્ટમોર્ટમમાં લાશ સળગાવી હોવાની ખબર પડી જશે તે શંકાએ આરોપીઓએ અમીર ગઢના વ્યક્તિનું અપહરણ કરી તેને કારમાં બેસાડી સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઢેલાણાના ભગવાનસિંહ રાજપૂતે પોતાના વીમાના ક્લેમ માટે તરકટ રચ્યું હતું. જેમાં પોતાની હોટલમાં કામ કરતા શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
અમીરગઢના શ્રમજીવી ને જીવતો સળગાવ્યો?: આ કેસનો મુખ્ય આરોપી દલપતસિંહ પરમારને કરોડોનું દેવું થઈ ગયું હતું. તે ઉતારવા માટે તેણે પોતાનો જ વીમો પકવવો હતો. જેથી આ સમગ્ર તરકટ રચવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ તપાસમાં અમીરગઢના વિરમપુરના રેવાજી મોહનજી ગામેતી(ઠાકોર) કે જેઓ દલપતસિંહની હોટલ પર આશરે બે એક વર્ષ પૂર્વે મજૂરી કામ કરતો હતો. જેનું મોત નિપજાવી કારમાં સળગાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકના સંતાનોના લોહીના નમૂના મેળવી ડી.એન.એ ટેસ્ટ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલી મુખ્ય સૂત્રધારને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ
(૧) દલપતસિંહ ઉર્ફે ભગવાન સિંહ કરશનજી પરમાર (રાજપુત) રહે.ઢેલાણા તા.પાલનપુર
(૨) મહેશજી નરસંગજી મકવાણા રહે.ઢેલાણા તા.પાલનપુર
(૩) ભેમાજી ભીખાજી રાજપુત રહે.ઘોડીયાલ તા.વડગામ
(૪) સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર રહે.ઘોડીયાલ તા.વડગામ
(૫) દેવાભાઇ લલ્લુભાઇ ગમાર રહે.ખેરમાળ તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ
(૬) સુરેશભાઇ બાબુભાઇ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ.