મહિનાના ૩૦ દિવસના હિસાબે ૩૬૦ રૂપિયા અને વર્ષે ૪,૩૮૦ રૂપિયા વધુ ખર્ચ થશે
GST કાઉન્સિલની ૫૬મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાન મસાલા, ગુટખા, સિગારેટ, તમાકુ, કાચી તમાકુ, બીડી અને સુગંધિત તમાકુ પર GST કાઉન્સિલે નવા GST દરો લાગુ કરવાની જાહેરાત કરી છે. કાઉન્સિલે આ વસ્તુઓ પર GSTને ૨૮ %થી વધારીને ૪૦ % કરી દીધો છે. આ ફેરફાર ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી લાગુ થશે. એટલે કે, સિગારેટ અને તમાકુ મોંઘી થઈ જશે. આ નિર્ણય GST ૨.૦ હેઠળ લેવામાં આવ્યો છે, જેમાં ટેક્સ સ્લેબને બે મુખ્ય દરો ૫ % અને ૧૮ % સુધી મર્યાદિત કરવામાં આવ્યા છે, પરંતુ સિગારેટ, પાન મસાલા જેવી તમાકુ સંબંધિત વસ્તુઓ માટે ૪૦%નો નવો દર લાગુ કરવામાં આવ્યો છે.
માની લો, સિગારેટના એક પેકેટની કિંમત ૧૦૦ રૂપિયા છે. અગાઉ તેના પર ૨૮ % GST લાગતો હતો, એટલે કે ૨૮ રૂપિયા ટેક્સ. કુલ મળીને તમારે ૧૨૮ રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે નવા ૪૦ % GST દર સાથે, તે જ ૧૦૦ રૂપિયાના સિગારેટના પેકેટ પર ૪૦ રૂપિયા ટેક્સ લાગશે. એટલે કે, હવે તમારે ૧૪૦ રૂપિયા ચૂકવવા પડશે. આથી દરેક પેકેટ પર ૧૨ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. જો તમે રોજ એક પેકેટ ખરીદો છો, તો મહિનાના ૩૦ દિવસના હિસાબે ૩૬૦ રૂપિયા અને વર્ષે ૪,૩૮૦ રૂપિયા વધુ ખર્ચ થશે.ઉદાહરણ તરીકે, જો એક પાન મસાલાના પેકેટની કિંમત ૫૦ રૂપિયા હોય, તો તેના પર અગાઉ ૨૮% GST એટલે કે ૧૪ રૂપિયા ટેક્સ લાગતો હતો, અને કુલ કિંમત ૬૪ રૂપિયા થતી હતી. હવે ૪૦ % GST સાથે, ૫૦ રૂપિયાના પેકેટ પર ૨૦ રૂપિયા ટેક્સ લાગશે, એટલે કે કુલ કિંમત ૭૦ રૂપિયા થશે. દરેક પેકેટ પર ૬ રૂપિયાનો વધારો થશે. જો તમે રોજ બે પેકેટ લો છો, તો મહિને ૩૬૦ રૂપિયા અને વર્ષે ૪,૩૨૦ રૂપિયા વધુ ખર્ચ થશે.
આ ફેરફાર સરકારે એટલા માટે કર્યો છે, જેથી સિગારેટ, પાન મસાલા જેવી નુકસાનકારક વસ્તુઓનો ઉપયોગ ઘટે અને આવક વધે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, સરકારના આ પગલાને અમેરિકાના નવા ટેરિફનો જવાબ પણ માનવામાં આવે છે, જેથી ભારતની આવક મજબૂત રહે. પરંતુ આનાથી ITC જેવી કંપનીઓ પર દબાણ વધશે, જે સિગારેટથી તેમની ૮૦ %થી વધુ કમાણી કરે છે.જોકે, સરકારનું કહેવું છે કે સિગારેટ અને પાન મસાલા પર ટેક્સ વધારવાથી લોકો તેનો ઓછો ઉપયોગ કરશે, જે સ્વાસ્થ્ય માટે સારું છે. સાથે જ, GSTને રિટેલ સેલ પ્રાઇસના આધારે લાગુ કરવાનો નવો નિયમ લાગુ થશે, જેથી ટેક્સ ચોરી ઘટશે. આ ફેરફાર સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડી શકે છે, પરંતુ સરકારનો ઉદ્દેશ હાનિકારક વસ્તુઓને મોંઘી કરીને તેનો વપરાશ ઘટાડવાનો છે.

