મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ. ૧૪૫ કરોડ ફાળવવાની મંજૂરી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં મહેસાણા-ઊંઝા-સિધ્ધપુર-પાલનપુર સ્ટેટ હાઇવે પર સિધ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે ૧૪૫ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ ૧૯૫૯માં બનાવવામાં આવેલો છે. એટલું જ નહીં, વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પૂલની જગ્યાએ સિક્સ લેન રોડને અનુરૂપ જુના ફોર લેન બ્રિજની જમણી તરફ આ નવો ફોર લેન મેજર બ્રિજ નિર્માણ પામશે. આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને સમય અનુરૂપ સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે.