વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે ૭.૪૫ થી ૮.૧૫ સુધી સાયરન વગાડીને બ્લેક આઉટ કરાશે
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલએ જણાવ્યું કે, સરકારની સૂચના અનુસાર ઓપરેશન શિલ્ડ અંતર્ગત તા. 31 મે ૨૦૨૫ના રોજ સાંજે ૫ કલાકે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરાશે તથા વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાંજે ૭.૪૫ કલાક થી ૮.૧૫ કલાક સુધી સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરએ નાગરિકોને સહયોગ આપવા તથા સરકારની સૂચનાઓનું પાલન કરવા અને નાગરિકોએ કોઈપણ પ્રકારનો ડર કે ભય ના રાખવા સૂચન કર્યું હતું.
આ મોકડ્રીલ સિવિલ ડિફેન્સ, નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવનાર છે. યુધ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. કાલે રાત્રે વાવ સુઈગામના તમામ ગામડાઓમાં સાયરન વગાડીને બ્લેક આઉટ કરવામાં આવશે. આ બ્લેક આઉટ સમય દરમિયાન સ્ટ્રીટ લાઈટ, હોર્ડીગ અને દુકાનો તથા પોતાના ઘરમાં તેનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે. મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સની તાલીમ પામેલ વધુમાં વધુ વોલીન્ટીયર્સને જોડાવવા અનુરોધ સાથે નાગરિકોને સહભાગી બનવા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા વિનંતી કરાઈ છે.