રાજકીય નેતાઓ અને અધિકારીઓની ઓળખાણ હોવાનું જણાવી વેપારીને વિશ્વાસ લઇ વિવિધ બહાના બનાવી પૈસા પડાવ્યા
પાલનપુર તાલુકાના સલેમપૂરા ગામના એક શખ્સે ડીસાના વેપારીને તેના ભાઈને ઊંચી ઓળખાણો હોવાનું જણાવી વિશ્વાસમાં લઇ બાદમાં તેના ભાઇ મરણ પામેલ છે, ભંડારામાં જરૂર છે. તેમજ તેના દીકરાને ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂર છે તેમ કહીને રૂબરૂ તેમજ આંગડીયા મારફતે 7.92 લાખ રૂપિયા લીધા હતા જે નાણાં વેપારીએ પરત માંગતા તારા થી થાય તે કરી લે તેવું જણાવતા આખરે વેપારીએ તેની સાથે છેતરપિંડી કરનાર શખ્સ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ડીસાના બીએન પાર્કમાં રહેતા અને બટાકાનો વેપાર કરતા વેપારી પોપટભાઇ નગાજી માળીને ડિસેમ્બર 2024 માં ચંડીસર બ્રીજ પાસે પાલનપુર તાલુકાના સલેમપૂરા ગામનાં ગીરીશભાઈ કાંતિભાઇ મેવાડા નામના ઇસમ સામે મુલાકાત થઇ હતી દરમ્યાન આ શખ્સે તેના ભાઈને અધિકારીઓ સાથે તેમજ રાજકારણમાં મોટી ઓળખાણો હોવાનું જણાવી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો જે બાદ આ શખ્સ તકલીફમાં હોય અને મરણ પ્રસંગમાં પૈસાની જરૂર હોય વેપારી પાસેથી નાણાં લીધા હતા. બાદમાં ફરી વેપારી પાસે થી ભંડારામા કરિયાણું તેમજ રોકડ રકમ લીધી હતી જે બાદ તેનો દીકરો યુપીએસસીની તૈયારી કરતો હોય પૈસાની જરૂર હોવાનું જણાવી વેપારી પાસેથી પૈસા લીધા હતા.
જોકે આ શખ્સે વેપારી પાસેથી તબક્કાવાર રૂ.7.92 લાખ લીધાના લાંબા સમય સુધી પૈસા પરત ન કરતા વેપારીએ પૈસાની માંગણી કરતા આ ઈસમે પૈસા નથી તારા થી થાય તે કરી લે તેમ જણાવતા તેમજ આ શખ્સ માથાભારે હોય અને કોઈના પાસેથી પૈસા લીધા બાદ પાછા આપતો ન હોવાનું જાણવા મળતા વેપારીએ તેની સાથે ઠગાઇ કરનાર સલેમપુરાના ગીરીશ મેવાડા વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાની ફરિયાદ દાખલ કરાવતા ગઢ પોલીસે આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.