ઠાકોર સમાજે અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો માથી બહાર આવી સરસ્વતિ ના ધામો ઉભા કરવા પડશે : ગેનીબેન
પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે હાઈટેક લાઈબ્રેરી નો રવિવારે સમાજના સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો સહિત દાતાઓની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લાઈબ્રેરી મા સમાજની ૪૭ દીકરીઓ એકીસાથે વાંચન કરી શકે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તો લાઈબ્રેરી મા પ્રવેશ માટે દરેક દિકરીએ ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કયૉ બાદ જ લાઈબ્રેરીમાં પ્રવેશી શકશે અને તમામ દિકરીઓના વાલીઓને તેમની દીકરીએ લાઈબ્રેરી મા પ્રવેશ કર્યો હોવાની તેમજ લાઈબ્રેરી માંથી બહાર નીકળી હોવાની મોબાઇલ મેસેજ થી જાણ થશે.
આ લાઈબ્રેરી સવારે ૮ થી સાંજના ૬ કલાક સુધી ચાલુ રહેશે. પાટણ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજ દાતાઓના અનુદાનથી તૈયાર કરવામાં આવેલ સંત સદારામ કન્યા લાઈબ્રેરી ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને મહત્વનો સંદેશ આપતા કહ્યું હતું કે, મંદિરોમાં લાખો રૂપિયાનું દાન કરવાને બદલે સમાજ શ્રેષ્ઠીઓએ સરસ્વતીના મંદિરો ઉભા કરવા જોઈએ.તેમણે સમાજ માથી અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દૂર કરવા પણ અપીલ કરી ઠાકોર સમાજની દીકરીઓ આ લાઈબ્રેરીનો નિઃશુલ્ક ઉપયોગ કરી પ્રગતિના શિખરો સર કરી પરિવાર અને સમાજનું નામ રોશન કરે તેવી કામના વ્યકત કરી હતી.
આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે પણ ખાસ ઉપસ્થિત રહી સમાજની દિકરી માટે તૈયાર કરવામાં આવેલ લાઈબ્રેરીની સરાહના કરી શિક્ષણ કાયૅમાં સમાજના લોકોને તન, મન અને ધનથી સહીયોગી બનવા અપીલ કરી હતી. લાઈબ્રેરી મા વાંચન માટે આવનાર હેતલ ઠાકોરે જણાવ્યું હતું કે, અગાઉ સમાજની દીકરીઓ માટે અભ્યાસની કોઈ વ્યવસ્થા નહોતી. હવે આ આધુનિક લાઈબ્રેરી માં સમાજની દીકરીઓ નિશ્ચિત પણે પરીક્ષાની તૈયારી કરી શકશે અને સમાજનું નામ રોશન કરશે.
આ સાથે અન્ય રાજકીય સામાજિક આગેવાનો એ પ્રસંગોચિત ઉદબોધન કરી લાઈબ્રેરી ના પ્રારંભની શુભેચ્છાઓ પાઠવી હતી. તો સમાજના દાતાઓએ દાનની સરવાણી વહાવી લાઈબ્રેરી ના નિભાવની જવાબદારી સ્વીકારી હતી.