સાવધાની અને સાવચેતીના પગલાં સાથે બચાવ કામગીરીનું વિવિધ વિભાગો દ્રારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું
રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે પાટણ જીલ્લામાં ભુકંપના જોખમની સંવેદનશીલતાને અનુલક્ષીને જીલ્લા કલેકટર અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ વડોદરાના સંયુક્ત ઉપક્રમે જૈન મંદીર શંખેશ્વર ખાતે મંગળવારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું. કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ સંપૂર્ણ રીતે રોકી શકાતી નથી, પરંતુ પૂર્વ તૈયારી અને સતર્કતાથી આપત્તિથી થનારા જાનમાલના નુકસાનમાં ઘટાડો ચોક્કસ કરી શકાય એવા સરકારના પૂર્વ તૈયારીના અભિગમને અનુલક્ષીને આ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ ભુકંપ જેવી કુદરતી આફત આવે ત્યારે ત્વરિત રાહત અને બચાવ કામગીરી દરમ્યાન એનડીઆરએફ અને જીલ્લા તથા સ્થાનિક તાલુકા વહીવટી તંત્રનુ આંતરિક સંકલન તથા ત્વરિત પ્રતિસાદ આપવાનો હતો. જીલ્લામાં વિવિધ ધાર્મિક સ્થાનો ઉપર લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે, ત્યારે ભુકંપ જેવી આપત્તિ દરમિયાન બચાવ કામગીરીની પ્રથમ અગ્રતાની જરૂરીયાત રહેતી હોય છે.જે અંતર્ગત ભૂકંપ જેવી કુદરતી આપત્તિ વખતે ફસાયેલા અને ઘાયલ થયેલા લોકોએ કેવા પ્રકારની સાવધાની રાખવી, સાવચેતી ના શું પગલાં લેવાં અને પ્રાથમિક સારવાર સહિત ની જાણકારી આપી બચાવ કામગીરીનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી અને સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટ સમી,ડેપ્યુટી કમાન્ડન્ટ- ૦૬ બટાલીયન એનડીઆરએફ,વડોદરા,મામલતદાર આપત્તી વ્યવસ્થાપન પાટણ,મામલતદાર શંખેશ્વર તથા વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટ પોલીસ,આરોગ્ય,ફાયર, પંચાયત,વગેરે વિભાગો એ ઉપસ્થિત રહી પોતાની કામગીરી બજાવી મોકડ્રીલ સફળ બનાવી હતી.