બનાસકાંઠામાં અકસ્માતો ની વણઝાર ચાલી રહી છે. રોજે રોજ અકસ્માતો ના સમાચાર વાયુવેગે પ્રસરતા હોય છે. તેવામાં ફરી એક વાર આજે સાંજે એક અકસ્માત ની ઘટના સામે આવી છે. ઇકબાલગઢ નજીક બાલારામ બ્રિજ પાસે આજે સાંજે અકસ્માત સર્જાવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે ઇકબાલગઢના વેપારી ભરતભાઈ રામદિનભાઈ અગ્રવાલ અને તેમના ધર્મપત્ની પાલનપુર અર્થે ખરીદી કરીને પાલનપુર થી ઇકબાલગઢ સાંજે પરત આવી રહ્યા હતા. ત્યારે પાલનપુરની સીમમાં બાલારામ બ્રિજ પાસે ભરતભાઈ નું એક્ટિવા સ્લીપ ખાઈ જતા એકટીવા ફંગોળાઈ જતા રોડ સાઈડમાં ડિવાઈડર સાથે ટકરાતા પત્ની ની આખો સામે જ પતિનું ગળાના ભાગે લોખંડનું ડિવાઈડર વાગતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અને તેમના પત્ની પણ રોડ પર પટકાતા ચહેરાના ભાગે ને ગંભીર ઇજાઓ થવા પામી હતી.
અકસ્માતના પગલે અન્ય વાહન ચાલકો ઉભા રહી તાત્કાલિક 108 ની ટીમ ને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને તેમના ધર્મપત્ની ને પાલનપુર સરકારી દવાખાના માં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બદનસીબે ઇકબાલગઢ ના વેપારી ભરતભાઈ નું અકસ્માતમાં કરુણ મોત નિપજતા અકસ્માતના સમાચાર થી ઈકબાલગઢ ગામમાં શોકના મોજા સાથે જ અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માતની જાણ પાલનપુર પોલીસ ને થતા પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને NHAI ની ટીમના અધિકારી નિસારભાઈ અને તેમની ટિમ ઘટના સ્થળે પોહચી ટ્રાફિક નિયંત્રણ કરેલ હતું સાથે અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.