બનાવ ના પગલે મૃતકના પરિવારજનો સહિત વિજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં શોક છવાયો; પાટણના બાલીસણા ગામે મોજીયાવાસમાં ઈલેક્ટ્રીકના થાંભલા પર રિપેરિંગ કામ કરી રહેલા વીજ વિભાગના હેલ્પર યુવકનું કરંટ લાગવાથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.તો આ બનાવ અંગે અંગે મૃતકના ભાઈએ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી વિગત મુજબ પાટણ તાલુકાના બાલીસણા ના મોજીયાવાસમાં રહેતા મનહરજી બચુજી ઠાકોર તેઓ વીજ કંપનીની અંદર ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ હેલ્પર તરીકે નોકરી કરતા હોય ગામના રહેણાક મકાનમાં રહેતા પટેલ પરિવારના ત્યાં પાવરમાં ટેક્નીકલ ફોલ્ટ થયો હતો જે બાબતે ફરિયાદ આવતા હેલ્પર મનહરજી સાંજના સુમારે તેમના મહોલ્લામાં આવેલ ઇલેક્ટ્રિકના થાંભલા પર ચડીને રિપેરિંગ કામ કરતા હતા. તે વખતે વીજ કરંટ લાગતા તેઓ બેભાન અવસ્થામાં શરીર સાથે બાંધેલી પ્રોટેક્શન સાથે થાંભલા ઉપર લબડી રહ્યા હતા. ત્યારે મકાન માલિકે આજુબાજુ માંથી લોકોને બોલાવી વીજ વિભાગના માણસોને જાણ કરતા તેઓએ ધટના સ્થળે દોડી આવીને થાંભલા ઉપરથી મનહરજી ને નીચે ઉતાર્યા હતા. અને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે ધારપુર હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે મનહરજી ને મૃત જાહેર કરતાં મૃતકના પરિવારજનો સહિત વિજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં દુઃખની કાલીમા છવાઈ જવા પામી હતી. આ અંગે મૃતકના ભાઈ પ્રવિણજીએ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ખબર આપતા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની તપાસ તપાસ કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

