ડીસામાં બનાસકાંઠા અને પાટણની ગૌશાળાઓના લાભાર્થે ભવ્ય લોકડાયરો “એક શામ ગૌમાતા કે નામ” યોજાયો

ડીસામાં બનાસકાંઠા અને પાટણની ગૌશાળાઓના લાભાર્થે ભવ્ય લોકડાયરો “એક શામ ગૌમાતા કે નામ” યોજાયો

કલાકાર કીર્તિદાન ગઢવીએ ભજનોની રમઝટ જમાવી; શનિવારે રાત્રે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ગૌશાળાઓના લાભાર્થે “એક શામ ગૌમાતા કે નામ” શીર્ષક હેઠળ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મમય કાર્યક્રમમાં દિગંબર ૧૦૦૮ ખુશાલભરતી મહારાજે વિશેષ ઉપસ્થિતિ આપી હતી, જેનાથી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ થઈ હતી.

આ લોકડાયરામાં ગુજરાતના ખ્યાતનામ લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ મોડી રાત સુધી ભજનોની રમઝટ બોલાવી હતી, જેને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ગૌભક્તોએ મનભરીને માણી હતી. કિર્તીદાન ગઢવીના સૂરીલા અવાજ અને ભક્તિમય રજૂઆતે વાતાવરણને ભક્તિભાવથી તરબોળ કરી દીધું હતું. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગૌભક્તોએ ગૌમાતા પ્રત્યેની પોતાની શ્રદ્ધા દર્શાવતા ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી. આયોજક પી.એન.માળી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ડાયરા થકી એકત્ર થયેલી તમામ ધનરાશિ બનાસકાંઠા તેમજ પાટણની ગૌશાળાઓને ગૌમાતાના કલ્યાણ અને સંરક્ષણ અર્થે અર્પણ કરવામાં આવશે.

પી.એન. માળી ફાઉન્ડેશનના આ પ્રશંસનીય પ્રયાસથી ગૌસંરક્ષણ અને ગૌશાળાઓના સંવર્ધનને વેગ મળશે, જે સાચા અર્થમાં ધર્મ અને સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ સમાન છે. આ કાર્યક્રમ સમાજમાં ગૌભક્તિ અને દાનની ભાવનાને પ્રોત્સાહન આપવામાં સફળ રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *