ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પિચકારીઓ અને કલરના ભાવમાં ૧૦℅ નો વધારો જોવા મળ્યો
હોળી ધૂળેટીના પવૅ ને લઇ યુવાનો અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
પાટણ શહેરમાં હોળી-ધુળેટીના તહેવારને લઈને બજારોમાં રંગીન માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પિચકારીઓના સ્ટોલ્સ ધમધમી રહ્યા છે. આ વર્ષે પિચકારીઓની નવી અને આકર્ષક વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે. બજારમાં ટોમ એન્ડ જેરી, રોકેટ લોન્ચર, વોટર ગન, ટેન્ક, પ્રેસર ગન, સૈનિક, ડક અને સ્પાઈડર મેન જેવા કાર્ટૂન કેરેક્ટર્સવાળી પિચકારીઓ ઉપલબ્ધ બની છે. આ વર્ષે કલર ટેન્ક પણ બજારમાં આવ્યા છે,જે રૂ. 700 થી રૂ. 1500 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સિઝનેબલ ધંધાદારી વેપારીના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં ચાલુ સાલે પિચકારીઓના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. વિવિધ પ્રકારની પિચકારીઓની કિંમત 50 થી 1500 રૂપિયા સુધીની છે.
બજારમાં પમ્પવાળી,છોટા ભીમ,લવ ફુવારાવાળી, મિકી માઉસ અને ડાયનોસોર જેવી પિચકારીઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને નાના બાળકો આ અવનવી પિચકારીઓ તરફ વધુ આકર્ષાયા છે. હોળી-ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જામી રહ્યો છે. રંગોત્સવના આ તહેવારમાં પિચકારીઓની સાથે રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું હોય યુવાનો અને બાળકોમાં હોળી ધૂળેટીના પવૅ ની ઉજવણી નો અનેરો ઉત્સાહ વ્યાપેલ જોવા મળી રહ્યો છે.