વડાલીના જેતપુર પાટિયા પાસે કારમાં શોર્ટ સર્કીટને કારણે લાગી આગ, હિંમતનગરથી દરજી પરિવાર ખેડબ્રહ્મા દર્શન માટે જતો હતો, તમામનો બચાવ
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના જેતપુર પાસે આજે ખેડબ્રહ્મા તરફ જઈ રહેલ કારમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને કારમાં સવાર દરજી પરિવાર સમય સુચકતા વાપરી બહાર નીકળી ગયો હતો. જોત જોતામાં આગ કાર લપેટાઈ ગઈ હતી. વડાલી ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગે સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
આ અંગે વડાલી ફાયર વિભાગમાંથી મળેલ માહિતી મુજબ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ 21, સુંદરવન સોસાયટીમાં રહેતા મહેશ ભીખાભાઈ દરજી પોતાના પરિવાર સાથે મારુતિ સુઝુકી ઝેન GJ-18.AA.2956માં ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા માટે રવિવારે જતા હતા. દમિયાન વડાલીના જેતપુર પાસે કારના એન્જીનના નીચેના ભાગે કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને ધુમાડો નીકળ્યો હતો. જેને લઈને કાર ઉભી રાખી આખો દરજી પરિવાર બહાર નીકળી ગયો હતો અને જોત જોતામાં અચાનક આગ લાગી હતી અને કાર આગમાં લપેટાઈ ગઈ હતી.
આગ લાગવાને લઈને વડાલી ફાયરને જાણ કરતા ફાયર વિભાગ ટીમ સાથે સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુઝાવી હતી. પરંતુ વિકરાળ આગમાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી. જોકે સમય સુચકતાથી કારમાંથી પરિવારજનો બહાર નીકળી જતા બચાવ થયો હતો.