ભદ્રમાલી ગામેથી દવાઓ અને મેડિકલ સાધનો સાથે ઝડપાયો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો આરોપ
ડીસાના ભદ્રમાલી ગામેથી ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા એક બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. ડો.દર્શનભાઈ શૈલેષકુમાર ત્રિવેદી (પી.એચ.સી, સમૌમોટા) દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરિફભાઈ દાઉદભાઈ મીર (ઉ.વ. 35, રહે. સમૌમોટા, તા. ડીસા) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-125 અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30, 33 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કાર્યવાહી ડીસા રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, ડો. દર્શનભાઈ અને પોલીસ સ્ટાફ ભદ્રમાલી ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. પોલીસે અને પંચો સાથે એક દવાખાનામાં દરોડો પાડ્યો હતો, જ્યાં કોઈ બોર્ડ લગાવેલું ન હતું. અંદર તપાસ કરતા આરિફભાઈ દાઉદભાઈ મીર ટેબલ-ખુરશી પર બેઠેલા મળી આવ્યા હતા અને તેમના ટેબલ પર વિવિધ એલોપેથિક દવાઓ પડેલી હતી. પૂછપરછ કરતા, આરિફભાઈએ પોતે કોઈ મેડિકલ ડિગ્રી ધરાવતા ન હોવાનું સ્વીકાર્યું હતું. સ્થળ પરથી 7,741.97/-ની કિંમતની અલગ-અલગ કંપનીની દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા, જેમાં સિરિંજ, ઇન્જેક્શન્સ, ટેબ્લેટ્સ, સ્ટેથોસ્કોપ અને બી.પી. ઇન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ પંચનામાની રૂબરૂમાં જપ્ત કરવામાં આવી છે. આરિફભાઈ મીર લોકોના જીવ અને શારીરિક સલામતી જોખમાય તે રીતે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાયા હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.