કર્ણાટકના યાદગીર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શાળાની ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીનીએ શૌચાલયમાં બાળકને જન્મ આપ્યો છે. આ ઘટનાની જાણ થતાં બધા ચોંકી ગયા છે. વિદ્યાર્થીની ઉંમર લગભગ 17 વર્ષની હોવાનું કહેવાય છે. પોલીસે શુક્રવારે આ ઘટનાની માહિતી આપી હતી. જ્યારે વિદ્યાર્થીનીના સહાધ્યાયીઓ તેને પ્રસૂતિ પીડાથી કણસતી જોઈ, ત્યારે બધાએ શાળા મેનેજમેન્ટને આ અંગે જાણ કરી.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના 27 ઓગસ્ટના રોજ પ્રકાશમાં આવી હતી. આ ઘટના જિલ્લાના શાહપુર તાલુકાની એક શાળામાં બની હતી. FIR મુજબ, 17 વર્ષ અને સાત મહિનાની વિદ્યાર્થિની સંપૂર્ણપણે ગર્ભવતી હતી. લગભગ 9 મહિના પહેલા, એક અજાણ્યા વ્યક્તિએ તેના પર જાતીય હુમલો કર્યો હતો. શરૂઆતમાં, વિદ્યાર્થિની ખૂબ જ તણાવમાં હતી અને આરોપી વિશે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. વિદ્યાર્થિનીએ કહ્યું કે તેને શૌચાલયમાં પેટમાં દુખાવો થતો હતો અને તેણે ત્યાં જ બાળકને જન્મ આપ્યો હતો.

