ડીસા શહેરમાં શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુર હાઈવેને જોડતા અંદાજિત 40 ફૂટનો નવો રોડ બનાવવાની કામગીરી પૂર્વે આજે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.નવો રોડ બનવાથી ડીસા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે અને નાગરિકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે તેવી અપેક્ષા છે. હાલમાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય બની રહી છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 40 ફૂટનો પહોળો રોડ બનવાથી વાહન વ્યવહાર સરળ બનશે અને ટ્રાફિકજામ જેવી સ્થિતિમાંથી મુક્તિ મળશે.
પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આ રોડ શહેરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેના નિર્માણથી સ્થાનિક લોકોને ઘણો ફાયદો થશે. ચીફ ઓફિસરે પણ આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે ખાતરી આપી હતી. કોર્પોરેટરે આ રોડના નિર્માણ માટે સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણી સંતોષાઈ હોવાનું જણાવ્યું હતું.આ રોડના નિર્માણ માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.